દાહોદમાં રેશનકાર્ડની કામગીરીમાં લાંચ લેતો વચેટિયો ઝડપાયો
દાહોદમાં રેશનકાર્ડની કામગીરી સાથે સંકળાયેલા લાંચના કેસમાં એસીબીએ કાર્યવાહી કરી એક ખાનગી વચેટિયાને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી મુજબ, રેશનકાર્ડ વિભાજનની અરજીનું કામ ઝડપથી પૂર્ણ કરી આપવાના બહાને વચેટિયાએ અરજદાર પાસે કુલ 3 હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી. અરજદારે લાંચ આપવાના બદલે એસીબીના ટોલ ફ્રી નંબર 1064 પર ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે એસીબીની ટીમે મામલતદાર કચેરી રોડ પર છટકું ગોઠવ્યું હતું. આ દરમિયાન વચેટિયો અરજદાર પાસેથી 500 રૂપિયાની લાંચ સ્વીકારતા જ એસીબીની ટીમે તેને ઝડપી પાડ્યો હતો.
આ મામલે એસીબીએ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એસીબીની આ કાર્યવાહીને પગલે રેશનકાર્ડની કામગીરીમાં વચેટિયાઓ મારફતે ચાલતી ગેરકાયદેસર લાંચની પ્રવૃત્તિ સામે કડક સંદેશ ગયો છે.