સુરતના કતારગામમાં આવેલા શિવાલિક રેસિડેન્સી એપાર્ટમેન્ટમાં હાલ ગમગીની છવાઈ ગઈ છે. અહીં રહેતા એક જ પરિવારના 3 સભ્યોના ઉત્તરકાશીમાં થયેલા અકસ્માતમાં મૃત્યુ થતા એપાર્ટમેન્ટના રહીશોમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે. અશોકભાઈ પટેલ તેમના પત્ની, 2 સંતાનો અને અન્ય 3 સંબંધીઓ સાથે સુરતથી ચારધામની યાત્રાએ નીકળ્યા હતા. ઉત્તરકાશીમાં ગંગોત્રી નેશનલ હાઈવે પરથી તેઓ પસાર થઈ રહ્યા હતા એ દરમિયાન તેમની કાર ઊંડી ખીણમાં પડ્યા બાદ નદીમાં ખાબકી હતી. જેમાં અશોકભાઈ પટેલ, તેમના પત્ની અને તેમની પુત્રીનું કરુણ મૃત્યુ થયું હતું. જ્યારે તેમના પુત્ર વેદાંતને ઈજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે. જ્યારે અન્ય 2 લોકો લાપતા થઈ જતા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. એક જ પરિવારના 3 સભ્યોના મૃત્યુથી સુરતમાં રહેતા તેમના મિત્રો અને સંબંધીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સુરતના કતારગામની શિવાલિક રેસીડેન્સીમાં 202 નંબરના ફ્લેટમાં તેઓ રહેતા હતા. ત્યારે શિવાલિક રેસિડેન્સીના લોકોમાં પણ ગમગીની છવાઈ ગઈ છે.
#suratnews #uttarkashiaccident #chardhamyatra #gangotrihighway #humdekhengenews