વાપીમાં મોહરમ પર્વને લઈ પોલીસ પ્રશાસન દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ: ડીવાયએસપી દવે સાહેબે એ કાયદો અને વ્યવસ્થા જાળવવા કરી અપીલ. વાપીમાં આગામી મોહરમ પર્વની શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવણી થાય તે હેતુથી પોલીસ પ્રશાસન દ્વારા એક ખાસ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહત્વપૂર્ણ બેઠકમાં વિવિધ સમાજના અગ્રણીઓ, ધર્મગુરુઓ, સામાજિક સંગઠનોના પ્રતિનિધિઓ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન મોહરમનો તહેવાર પરસ્પર ભાઈચારો અને સદ્ભાવના સાથે ઉજવાય તે અંગે વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને પોલીસ પ્રશાસન દ્વારા લોકોને કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહેવા અને પરસ્પર સહયોગ જાળવી રાખવા અપીલ કરાઈ હતી.
આ પ્રસંગે વાપીના નાયબ પોલીસ અધિક્ષક (DySP) બી. એન. દવેએ ઉપસ્થિત નાગરિકોને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, મોહરમનો પર્વ પરસ્પર સદ્ભાવના સાથે ઉજવવામાં આવે તે જરૂરી છે. તેમણે તમામ સમુદાયોને કાયદો અને વહીવટીતંત્ર દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા નિયમોનું ચુસ્તપણે પાલન કરવા તથા શાંતિ વ્યવસ્થા જાળવવામાં પોલીસને સંપૂર્ણ સહકાર આપવા અનુરોધ કર્યો હતો. ડીવાયએસપી દવેએ વધુમાં ઉમેર્યું હતું કે, તહેવાર દરમિયાન કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે દરેક સમાજના લોકોએ જવાબદારીપૂર્વક પોતાનું યોગદાન આપવું જોઈએ. બેઠકમાં હાજર રહેલા તમામ સમાજના અગ્રણીઓએ પણ પોલીસ પ્રશાસનને પર્વ દરમિયાન પૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી.
વધુ સમાચારો અને માહિતી માટે @aapnu_vapi સાથે જોડાયેલા રહો!
Vapi, Valsad | Jun 24, 2026