સોમવતી અમાસ પર દમણના દરિયામાં 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા, પ્રવાસીઓએ ભીંજાવાની મજા માણી.
સોમવતી અમાસના પાવન અવસરે દમણના દરિયામાં ભારે કરંટના કારણે 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા હતા. ખાસ કરીને નાની દમણના નમોપથ ખાતે દરિયાનું પાણી સુરક્ષા દિવાલ સાથે જોરદાર રીતે અથડાતાં મોજા રસ્તા પર પડતા હતા, જેના કારણે વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી ગઈ હતી. સોમવતી અમાસ નિમિત્તે વહેલી સવારથી જ નાની દમણ અને મોટી દમણના દરિયાકિનારે શ્રદ્ધાળુઓએ અમાસ પૂજનવિધિની ધાર્મિક પરંપરા નિભાવી હતી.
આ અદભુત નજારાનો આનંદ માણવા માટે મોટી સંખ્યામાં પર્યટકો ઉમટી પડ્યા હતા. પ્રવાસીઓ પોતાના મોબાઈલ કેમેરામાં ઉછળતા મોજાના રોમાંચક દ્રશ્યો કેદ કરીને વીડિયો અને રીલ બનાવતા નજરે પડ્યા હતા. બીજી તરફ, અનેક યુવાનો કિનારાની સુરક્ષા દિવાલ અને રેલિંગ પાસે બેસીને દરિયાના ઉછળતા પાણીથી ભીંજાવાનો ભરપૂર રોમાંચ માણી રહ્યા હતા.
વધુ સમાચારો અને માહિતી માટે @aapnu_vapi સાથે જોડાયેલા રહો!
Vapi, Valsad | Jun 16, 2026