વિક્રમ સંવત નવા વર્ષના પ્રારંભે સમગ્ર વિશ્વમાં હિન્દુઓ દ્વારા વિવિધ પ્રકારે ઉજવણી કરવામાં આવતી હોય છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ગામડાઓમાં ગૌમાતાની દોડ કરાવીને નવું વર્ષ ઉજવવાની એક અનોખી અને વર્ષો જૂની પરંપરા જોવા મળે છે દસાડા તાલુકાના સાવડા,વિસાવડી, નગવાડા અને વડગામ જેવા ગામોમાં બેસતા વર્ષના દિવસે ગોપાલકો આગળ દોડે છે અને પાછળ ગાયો દોડે છે, જે ફ્રાન્સની પ્રખ્યાત બુલ રેસથી ક્યારેય કમ લાગતી નથી. આ અદભુત દોડ પૂર્ણ થયા બાદ ગ્રામજનો ગૌમાતાના પગની રજને પોતાના માથે ચઢાવીને ધન્યતા અનુભવે છે. આ પરંપરા પ્રત્યે ગામના લોકોની ભારે આસ્થા જોડાયેલી હોવાથી, બહારગામ કે નોકરી-ધંધાર્થે ક્યાંય પણ રહેતા વતનીઓ આ ખાસ દિવસે પોતાની પરંપરામાં હાજરી આપવાનું ક્યારેય ચૂકતા નથી