દમણ પોલીસનો સપાટો: કચીગામનો જટિલ બ્લાઇન્ડ મ*ર્ડર કેસ ઉકેલાયો, 1000 થી વધુ CCTV સ્કેન કરી સુરતથી 2 આરોપી દબોચાયા. દમણ પોલીસે કચીગામના દેસાઈવાડ સ્થિત નિર્માણાધીન ઇમારતમાંથી મળેલા અજાણ્યા પુરુષના મૃતદેહના હત્યા કેસનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી કાઢ્યો છે. ગત 14/09/2026 ના રોજ માથા અને ચહેરા પર ગંભીર ઈજાઓ સાથે મૃતદેહ મળી આવતાં પોલીસે BNS ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. મૃતક કે આરોપીઓ પાસે મોબાઇલ ન હોવાથી અને તેઓ રખડતું જીવન જીવતા હોવાથી આ કેસ અત્યંત પડકારજનક હતો.
પોલીસે હાર માન્યા વગર 1000 થી વધુ CCTV ફૂટેજ સ્કેન કરી અને FSL ની મદદથી મૃતકની ઓળખ સુરતના રુસ્તમપુરાના રહેવાસી 37 વર્ષીય સૈયદ અકરમ અલી તરીકે કરી હતી. CCTV માં મૃતકની પાછળ 3 શંકાસ્પદ શખ્સો જતા દેખાતાં દમણ પોલીસે વાપી, સુરત, વડોદરા અને અમદાવાદ સુધી ટેકનિકલ સર્વેલન્સ ગોઠવી સુરત ક્રાઇમ બ્રાન્ચ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું.
આ ઓપરેશન દરમિયાન પોલીસે સુરતના ફૂટપાથ પરથી બે મુખ્ય આરોપીઓ શૈલેષ રાકેશ સોની (ઉંમર 23) અને શની રામ સજીવન (ઉંમર 24) ની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં દારૂ પીધા બાદ બોલાચાલી થતાં લાકડાના ડંડા વડે માર મારી હત્યા કર્યાની કબૂલાત સામે આવી છે. કોર્ટે બંને આરોપીઓના 03/10/2026 સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે, જ્યારે ફરાર ત્રીજા આરોપી આનંદ પાંડેની શોધખોળ માટે દરોડા ચાલુ છે.
વધુ સમાચારો અને માહિતી માટે @aapnu_vapi સાથે જોડાયેલા રહો!
Vapi, Valsad | Oct 2, 2026