'ગ્રાઇન્ડર' એપ મારફતે બોલાવી ચપ્પુ બતાવી લૂંટ ચલાવનાર ત્રણેય આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી ડુંગરા પોલીસ ટીમ
વાપીના કરવડ વિસ્તારમાં ડેટિંગ એપ 'ગ્રાઇન્ડર' (Grindr) ના માધ્યમથી બોલાવીને યુવક સાથે લૂંટ અને મારમારીની ગંભીર ઘટના સામે આવી છે. ફરિયાદના આધારે ડુંગરા પોલીસે ગણતરીના કલાકોમાં જ આ ગુનાનો ભેદ ઉકેલીને ત્રણેય આરોપીઓને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે.
તારીખ ૧૨/૦૮/૨૦૨૬ ના રોજ સાંજના સમયે ફરીયાદીનો 'ગ્રાઇન્ડર' એપ્લિકેશન મારફતે એક અજાણ્યા વ્યક્તિ સાથે સંપર્ક થયો હતો. ત્યારબાદ ફરીયાદીને કરવડ ખાતે ભારત પેટ્રોલ પંપની થોડે આગળ અંધારાવાળી જગ્યાએ બોલાવવામાં આવ્યા હતા. ત્યાં અગાઉથી હાજર ત્રણ અજાણ્યા ઇસમોએ ફરિયાદી સાથે મારામારી કરી હતી અને ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીપૂર્વક કુલ રૂપિયા ૧૪,૦૦૦/- ની રોકડ રકમ લૂંટીને નાસી છૂટ્યા હતા. આ અંગે ડુંગરા પોલીસ સ્ટેશનમાં BNS-૨૦૨૩ ની કલમ ૩૦૯(૪), ૩૦૯(૬), ૩૫૧(૩) અને ૩(૫) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ડુંગરા પોલીસ સ્ટેશનના પીઆઈ બી.એન. ગોહિલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ અને પોલીસ જવાનોની અલગ-અલગ ટીમ બનાવવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવી તેમજ ટેક્નિકલ એનાલિસિસના આધારે આરોપીઓની ઓળખ કરી લીધી હતી અને ગણતરીના કલાકોમાં જ ત્રણેય આરોપીઓને દબોચી લીધા હતા. પોલીસે લૂંટાઈ ગયેલી સંપૂર્ણ ૧૪,૦૦૦ રૂપિયાની રકમ પણ રીકવર કરી લીધી છે.
પકડાયેલ આરોપીઓની વિગત:
૧. શાહબાઝ S/O અબ્દુલ અજીજ ચૌધરી (ઉ.વ. ૧૯, ધંધો: બેકાર, હાલ રહે. ફ્લેટ નં. ૩૦૫, સાંઈ આસ્થા-૧, કરવડ, વાપી, મૂળ રહે. સિદ્ધાર્થનગર, ઉત્તર પ્રદેશ)
૨. ઝહીર S/O સમીઉલ્લાહ ખાન (ઉ.વ. ૨૦, ધંધો: મજૂરી, હાલ રહે. ફ્લેટ નં. ૩૦૩, સાંઈ શ્રદ્ધા-૧, સાંઈ આસ્થા સોસાયટી, કરવડ, વાપી, મૂળ રહે. બલરામપુર, ઉત્તર પ્રદેશ)
૩. જવાહિર S/O રામનરેશ યાદવ (ઉ.વ. ૧૯, ધંધો: અભ્યાસ, હાલ રહે. ફ્લેટ નં. ૩૦૩, સાંઈ આસ્થા-૧, કરવડ, વાપી, મૂળ રહે. સિદ્ધાર્થનગર, ઉત્તર પ્રદેશ)
4.
વધુ સમાચારો અને માહિતી માટે @aapnu_vapi સાથે જોડાયેલા રહો!
Vapi, Valsad | Aug 16, 2026