ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વલસાડમાં ‘સપોર્ટ માર્ચ’ પદયાત્રા યોજાય તે પહેલાં જ આમ આદમી પાર્ટીના નેતાઓની અટકાયત. આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં અને તેમની ધરપકડના વિરોધમાં વલસાડ ખાતે એક ‘સપોર્ટ માર્ચ’ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શન અને પદયાત્રાના કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના વલસાડ જિલ્લા મહામંત્રી શૈલેષ ત્રિપાઠી, સ્ટેટ જોઈન્ટ સેક્રેટરી જયેન્દ્ર ગાવીત, માજી ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ અને ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી કમલેશ પટેલ સહિત પ્રદેશના અનેક નેતાઓ, સ્થાનિક પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
જોકે, આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ આ પદયાત્રા શરૂ કરે તે પહેલાં જ વલસાડ પોલીસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે નિયમ અનુસાર તમામની અટકાયત (ડિટેઇન) કરી લીધી હતી અને તેમને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. આ અંગે પૂર્વ ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડના વિરોધમાં વલસાડમાં શાંતિપૂર્ણ પદયાત્રા યોજવાની તૈયારી હતી, પરંતુ પોલીસે કાર્યક્રમ શરૂ થાય તે પૂર્વે જ તમામ પદાધિકારીઓ અને કાર્યકરોની અટકાયત કરી લીધી હતી.
વધુ સમાચારો અને માહિતી માટે @aapnu_vapi સાથે જોડાયેલા રહો!
Vapi, Valsad | Jun 26, 2026