વાપીમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાઇટ પરથી 5 ટન લોખંડની ચોરી: ભાજપ યુવા મોર્ચા પ્રમુખના ભાઈ સહિત 7 સામે ગુનો, 2ની ધરપકડ! વાપીના ડુંગરા વિસ્તારમાં ચાલી રહેલા મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઇટ પરથી 5 ટન લોખંડની ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ કેસમાં વાપી શહેર ભાજપ યુવા મોર્ચાના પ્રમુખ પારસ હળપતિના ભાઈ વિપુલ ઉર્ફે વિક્કી હળપતિનું નામ ખુલતા ભારે ચકચાર મચી ગઈ છે. ડુંગરા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ, એલએન્ડટી કંપનીના સિક્યુરિટી સુપરવાઇઝર પરેશ ભદ્રાની સાઇટ પરથી ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી આરોપીઓએ હાઇડ્રા ક્રેઇન દ્વારા 1.75 લાખ રૂપિયાની કિંમતનું 5 ટન લોખંડ આઇસર ટેમ્પોમાં ભરી ચોરી કરી હતી.
ઘટનાના સમયે જ્યારે ગાર્ડ પ્રદીપ ગુપ્તાએ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારવાનો પ્રયાસ કર્યો, ત્યારે જાવેદ ઉર્ફે તંગડુ નામના આરોપીએ ગાર્ડનો ફોન છીનવી લઈ વીડિયો ડિલીટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સમગ્ર ઘટના દરમિયાન એક થાર ગાડી દ્વારા પાયલોટિંગ કરવામાં આવી રહ્યું હતું. સત્તાધારી પક્ષના કાર્યકરના ભાઈનું જ નામ આ કેસમાં આવતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. હાલ ડુંગરા પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી તેમને રિમાન્ડ પર લીધા છે, જ્યારે વિક્કી હળપતિ સહિતના અન્ય 5 ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે કવાયત તેજ કરી છે.
વધુ સમાચારો અને માહિતી માટે @aapnu_vapi સાથે જોડાયેલા રહો!
Vapi, Valsad | Jul 10, 2026