વાપીમાં ક્રિપ્ટોકરન્સી અને ઊંચા વળતરની લાલચ આપીને રોકાણકારો સાથે અંદાજે 3 કરોડ 40 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો ચોંકાવનારો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ કૌભાંડમાં વાપી જીઆઈડીસી પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને એક મહિલા સહિત બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જ્યારે અન્ય ચાર મુખ્ય સાગરીતો હજુ પણ પોલીસ પકડથી દૂર છે.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપીઓએ વર્ષ 2023માં 'BOTBRO' નામે એક ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ શરૂ કરી હતી, જેમાં રોકાણકારોને દર મહિને 5 થી 6 ટકા વળતર આપવાનો વાયદો કરાયો હતો. આ સાથે જ 'TLC 1.0' અને 'TLC 2.0' નામના ડિજિટલ કોઈન આપી ભવિષ્યમાં તેની કિંમત કરોડોમાં થવાની લાલચ આપી હતી. રોકાણકારોનો વિશ્વાસ જીતવા માટે શરૂઆતમાં ઓનલાઇન એકાઉન્ટ બનાવી તેમાં કોઈન પણ બતાવવામાં આવ્યા હતા. ત્યારબાદ આરોપીઓએ BOTBRO, ALGOBOT, BOTALPHA, CROSSMARKET.AI અને TRADE CRAFT જેવા નામો બદલીને લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવ્યા હતા. પરંતુ 14 નવેમ્બર 2025ના રોજ અચાનક તમામ પ્લેટફોર્મ બંધ કરી દઈ રોકાણકારોના પૈસા ડૂબાડી દેવાયા હતા.
આ મામલે જીઆઈડીસી પોલીસે અંજલી રાહુલ યાદવ અને મિલન દિનેશ માહલાની ધરપકડ કરી છે, જ્યારે કલીમ શેખ, વિકાસ બારિક, અરવિંદ દુબે અને લવીશ ચૌધરી ઉર્ફે નવાબઅલી હાલ ફરાર છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS), GPID એક્ટ અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને ઠગાઈનો આ આંકડો હજુ પણ વધી શકે તેવી આશંકા સેવાઈ રહી છે.
વધુ સમાચારો અને માહિતી માટે @aapnu_vapi સાથે જોડાયેલા રહો!
Vapi, Valsad | Jul 9, 2026