દાહોદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવતે લીમખેડા તાલુકાના બાંડીબાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી
આ દરમિયાન મમતા દિવસ નિમિત્તે પાણીયા ખાતે યોજાયેલા મમતા સેશનની મુલાકાત લઈ માતા અને બાળકોને આપવામાં આવતી આરોગ્ય સેવાઓ તેમજ રસીકરણ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
મુલાકાત દરમિયાન આરોગ્ય કર્મચારીઓ પાસેથી રસીકરણ સેવાઓ અંગેની વિગતો મેળવી બાળકોને સમયસર અને સંપૂર્ણ રસીકરણ મળી રહે તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ માતા અને બાળકના સ્વાસ્થ્યની જાળવણી માટે આરોગ્ય સેવાઓની ગુણવત્તા જાળવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
સરકારી આરોગ્ય યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચે અને માતા તથા બાળકને સમયસર આરોગ્ય સેવાઓ મળી રહે તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રસીકરણ દ્વારા બાળકોને વિવિધ ગંભીર રોગોથી સુરક્ષિત રાખવા માટે આરોગ્ય વિભાગ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.