દમણના કચીગામ વિસ્તારમાંથી 989 ગ્રામ ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો
દમણ પોલીસ દ્વારા નશામુક્તિ અભિયાન હેઠળ ડ્રગ્સના દૂષણ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગત રાત્રે કચીગામ પોલીસ સ્ટેશનના એસએચઓ પીએસઆઈ અનિલકુમાર ટી.કે. તેમના સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા, ત્યારે કચીગામના ડુંગરી ફળિયા પાસેથી એક શખ્સ સફેદ પ્લાસ્ટિકની થેલી સાથે શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. પોલીસને જોઈને તેણે ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે તેને કોર્ડન કરીને ઝડપી લીધો હતો અને થેલીની તલાશી લેતા અંદરથી 989 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો.
આરોપીની કડક પૂછપરછ દરમિયાન તેણે પોતાનું નામ રવિકુમાર પટેલ (ઉંમર વર્ષ 22, મૂળ મધ્યપ્રદેશ, હાલ રહે. કચીગામ ડુંગરી ફળિયા આંબાવાડી વિસ્તાર, સંજયભાઈ પટેલ ચાલ, રૂમ નંબર 01) હોવાનું જણાવ્યું હતું. પોલીસે એનડીપીએસ (NDPS) એક્ટ હેઠળ ગુનો દાખલ કરી ગાંજાના જથ્થા સાથે આરોપીની ધરપકડ કરી દમણ કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાં કોર્ટે આરોપીના 25 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. હાલ પોલીસ આ ગાંજો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેની સાથે અન્ય કોણ સંકળાયેલું છે તે દિશામાં સઘન તપાસ કરી રહી છે.
આ ઉપરાંત પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે જો કોઈને દમણમાં ગાંજા કે અન્ય ડ્રગ્સની ખરીદી કે વેચાણ અંગે કોઈ પણ માહિતી મળે, તો તેઓ તાત્કાલિક 112 નંબર પર જાણ કરે. માહિતી આપનારની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે.
વધુ સમાચારો અને માહિતી માટે @aapnu_vapi સાથે જોડાયેલા રહો!
Vapi, Valsad | Aug 22, 2026