દમણમાં બે દિવસમાં ત્રણ લાશ મળતા ચકચાર: મોટી દમણમાં ગુમ થયેલા PWD પંપ ઓપરેટરનો મૃતદેહ ભરાયેલા પાણીમાંથી મળી આવ્યો. સંઘપ્રદેશ દમણમાં માત્ર બે દિવસના ટૂંકા ગાળામાં ત્રણ મૃતદેહો મળી આવતા સમગ્ર પંથકમાં ભય અને આશ્ચર્યનું મોજું ફરી વળ્યું છે. ગઈકાલે દરિયાકિનારેથી બે યુવકોના મૃતદેહ મળ્યા બાદ, આજે બુધવારે વધુ એક વ્યક્તિની લાશ મળી આવતા તંત્ર દોડતું થઈ ગયું છે. પ્રાપ્ત માહિતી મુજબ, મોટી દમણના ભીતવાડી વિસ્તારમાં રહેતા 50 વર્ષીય રમેશભાઈ કાનજીભાઈ હળપતિ ઉર્ફે કારિયા, જેઓ PWD વિભાગમાં ઢોલર પાણીની ટાંકી પર પંપ ઓપરેટર તરીકે ફરજ બજાવતા હતા, તેઓ છેલ્લા બે દિવસથી ગુમ હતા. પરિવારજનોએ બુધવારે સવારે જ મોટી દમણ કોસ્ટલ પોલીસ મથકે તેમની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાયાના ગણતરીના સમયમાં જ પોલીસને ઢોલર સર્કિટ હાઉસ પાછળના પાણી ભરાયેલા વિસ્તારમાં એક લાશ પડી હોવાની માહિતી મળી હતી. પોલીસે ત્વરિત ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરતા તે રમેશભાઈનો જ મૃતદેહ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, ઉપરવાસમાં સતત પડી રહેલા ભારે વરસાદ અને ડેમમાંથી પાણી છોડવામાં આવતા ઢોલર સર્કિટ હાઉસ પાછળના નીચાણવાળા ખેતરો અને મેદાનમાં પાણી ભરાઈ ગયા હતા. આ પાણીમાં ડૂબી જવાને કારણે રમેશભાઈનું મોત થયું હોવાની શક્યતા છે. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ મોકલી આપ્યો છે અને અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે.
વધુ સમાચારો અને માહિતી માટે @aapnu_vapi સાથે જોડાયેલા રહો!
Vapi, Valsad | Jul 9, 2026