વલસાડની માત્ર 2 વર્ષની ખ્યાના પટેલે રચ્યો ઈતિહાસ: માત્ર 5 સેકન્ડમાં સૌરમંડળના 8 ગ્રહો બોલી ‘ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ’માં મેળવ્યું સ્થાન
વલસાડના તિથલ રોડ પર રહેતી માત્ર 2 વર્ષ અને 2 મહિનાની નાનકડી ખ્યાના સોહમ પટેલે પોતાની અદભૂત યાદશક્તિના જોરે રાષ્ટ્રીય સ્તરે વલસાડનું ગૌરવ વધાર્યું છે. ખ્યાનાએ પ્રતિષ્ઠિત ‘ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ 2026’ માં પોતાનું નામ સુવર્ણ અક્ષરે અંકિત કર્યું છે. આ નાનકડી દીકરીએ આંખના પલકારામાં એટલે કે માત્ર 5 સેકન્ડથી પણ ઓછા સમયમાં સૌરમંડળના તમામ 8 ગ્રહોના નામ એકદમ સચોટ ક્રમમાં બોલીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા. ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સના ઈતિહાસમાં આટલી નાની વયે આ પ્રકારની વીજળીક ઝડપે રેકોર્ડ નોંધાવનાર ખ્યાના પ્રથમ બાળકી છે, જેને સત્તાવાર રીતે "IBR એચીવર" (IBR Achiever) નું ગૌરવપૂર્ણ બિરુદ એનાયત કરવામાં આવ્યું છે.
ખ્યાનાની આ સિદ્ધિ પાછળ તેના માતા-પિતાનું માર્ગદર્શન પણ ખૂબ મહત્વનું રહ્યું છે. ખ્યાનાના પિતા ડૉ. સોહમ કલ્પેશ પટેલ વલસાડ અને વાપીમાં ન્યૂરો સર્જન તરીકે સેવા આપે છે, જ્યારે માતા ડૉ. રુચિ સોહમ પટેલ વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ગાયનોકોલોજિસ્ટ તરીકે કાર્યરત છે. તબીબ દંપતીએ પોતાના વ્યસ્ત સમયપત્રકમાંથી સમય ફાળવી પોતાની પુત્રીની આંતરિક પ્રતિભાને ઓળખી તેને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આજે ખ્યાનાની આ અસાધારણ બૌદ્ધિક ક્ષમતાના સમાચાર મળતા જ તેના પરિવાર અને સ્નેહીજનોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે અને સમગ્ર દેશમાંથી તેને અભિનંદન મળી રહ્યા છે.
વધુ સમાચારો અને માહિતી માટે @aapnu_vapi સાથે જોડાયેલા રહો!
Vapi, Valsad | Jul 10, 2026