જાણીતા હાસ્ય કલાકાર હકાભા ગઢવીના અકસ્માતના સમાચાર સામે આવ્યા છે.
મળતી માહિતી મુજબ, હકાભા ગઢવી પોતાના મિત્રો સાથે બૈસાબગઢ નજીક આવેલા હિંગળાજ માતાજીના મંદિરે દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન તેમની ફોર્ચ્યુનર કાર અચાનક રસ્તા કિનારે પાણીમાં ખાબકી હતી.
પ્રાથમિક માહિતી અનુસાર, કાર ચલાવતી વખતે રસ્તા પર અચાનક સાપ આડો ઉતરતાં તેને બચાવવાના પ્રયાસમાં ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો.
સદનસીબે, હકાભા ગઢવીના મિત્રો બીજી ગાડીમાં તેમની પાછળ જ આવી રહ્યા હતા. અકસ્માત થતા જ તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા અને હકાભા ગઢવીને સુરક્ષિત રીતે કારમાંથી બહાર કાઢ્યા હતા.
આ અકસ્માતમાં હકાભા ગઢવી હેમખેમ બચી ગયા છે અને મોટી દુર્ઘટના ટળી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને લઈને તેમના ચાહકોમાં ચિંતા ફેલાઈ હતી, પરંતુ તેઓ સુરક્ષિત હોવાના સમાચાર મળતાં સૌએ રાહતનો શ્વાસ લીધો.