સુરતના ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા વાહનચોરીના ગુનાનો સફળ ભેદ ઉકેલી પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. બાતમીના આધારે પ્રમુખપાર્ક નજીકથી ચોરીની ઓટોરીક્ષા સાથે બંને આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. પૂછપરછ દરમિયાન આરોપીઓએ ગત 9 જુલાઈએ ઉન પ્લેટિનિયમ પ્લાઝા નજીકથી ઓટોરીક્ષા ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે રૂ. 2.60 લાખની કિંમતની ઓટોરીક્ષા રિકવર કરી વધુ તપાસ હાથ ધરી છે.
ભેસ્તાન પોલીસના પીઆઈ એસ.બી. દેસાઈના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ વાહનચોરીના ગુનાઓ શોધવાની કામગીરીમાં હતો. દરમિયાન મળેલી બાતમીના આધારે પ્રમુખપાર્ક પાસે દરોડો પાડી આસિફ ઉર્ફે એકો શેખ અને સાહબાજ અજાજ ખાનને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી GJ-05-CZ-6915 નંબરની ચોરી કરાયેલી ઓટોરીક્ષા મળી આવી હતી. પોલીસે ઓટોરીક્ષા કબજે કરી બંને આરોપીઓની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
Udhna, Surat | Jul 15, 2026