અરવલ્લી જિલ્લા પોલીસે રાજસ્થાનના સાગવાડામાં થયેલી સોનાના દાગીનાની લૂંટના ગુનાનો ભેદ ઉકેલી મોડાસામાંથી બે રીઢા આરોપીઓને રૂ.૧.૫૧ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે. તેમની વિરૂદ્ધ અરવલ્લી જિલ્લાના અલગ અલગ પોલીસ મથકોમાં પણ ગુના નોંધાયાનું સામે આવ્યું છે. બંન્ને આરોપીઓ ગુનાઇત ઇતિહાસ ધરાવે છે. પોલીસે બંન્ને વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અરવલ્લી જિલ્લા પોલીસની ટીમ મોડાસા ટાઉન પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. ત્યારે બાતમી મળી હતી કે મોડાસા સર્વોદયનગર ડુગરી વિસ્તારમાં રહેતા અને અગાઉ લૂંટ, છેતરપીંડી, પ્રોહિબિશન, જુગાર તેમજ મારામારીના ગુનામાં ઝડપાઈ ચૂકેલા બે શખ્સો સોનાના દાગીના સાથે શંકાસ્પદ હાલતમાં બાયપાસ રોડ ત્રણ રસ્તા પાસે ઉભા છે જેના આધારે પોલીસે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરી બંન્ને શખ્સોને કોર્ડન કરી ઝડપી લીધા હતા. તેમની જડતી લેતાં તેમની પાસેથી સોનાની કાનસેરવાળી બે નંગ બુટ્ટી મળી આવી હતી. સોનાની બુટ્ટી બાબતે પૂછપરછ કરતાં ગલ્લાંતલ્લાં કરતાં હતાં. ઝીણવટભરી પૂછપરછ કરતાં તેમણે લૂંટ આચરી હોવાની કબૂલાત કરી હતી. લગભગ વીસેક દિવસ અગાઉ બંન્ને આરોપીઓ પ્રકાશ સવજી સલાટ (રહે. સર્વોદયનગર ડુગરી, મોડાસા, જિ. અરવલ્લી), શંકર જીતુ સલાટ (હાલ રહે. સર્વોદયનગર ડુગરી, મોડાસા, મૂળ રહે. વિજાપુર, જિ. મહેસાણા) રાજસ્થાનના સાગવાડા ખાતે ગયા હતા. જ્યાં એક મહિલાને ડરાવી ધમકાવી તેની પાસેથી સોનાની આ બુટ્ટીઓ બળજબરીપૂર્વક પડાવી લીધી હોવાની તેમણે કબૂલાત કરી હતી. બંન્ને આરોપીઓ ગુનાઈત ઇતિહાસ ધરાવે છે. તેમની વિરૂદ્ધ રાજસ્થાન, પાટણ, મહેસાણા, અમદાવાદ શહેર દાહોદ જિલ્લાઓમાં લૂંટ, છેતરપીંડી, પ્રોહિબિશન, જુગાર, મારામારીના ગુના નોંધાઈ ચૂક્યા છે. આરોપી પ્રકાશ સલાટ વિરૂદ્ધ મોડાસા ટાઉન, મેઘરજ, માલપુર, દાહોદના લીમડી, પાટણ તેમજ અમદાવાદના રાણીપ પોલીસ મથકમાં મળીને કુલ ૧૨ ગુના નોંધાયા છે. જ્યારે શંકર સલાટ સામે વિજાપુર, ઉંઝા પોલીસ મથકોમાં કુલ પાંચ ગુના અગાઉ નોંધાઇ ચૂક્યા હોવાનો ખુલાસો થયો છે. બંન્ને આરોપીઓ પાસેથી કુલ રૂ.૧.૫૧ લાખના સોનાના દાગીનાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજસ્થાનના સાગવાડા પોલીસ મથકે નોંધાયેલા લૂંટના ગુનામાં બંન્નેને સાગવાડા પોલીસને સોંપવામાં આવ્યા છે...
#Modasa #modasacity #marumodasa #modasamirror #aravalli
Modasa, Aravallis | Oct 8, 2026