વલસાડ સિટી પોલીસની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે ધરમપુર ચોકડી નજીક એક શંકાસ્પદ કારને અટકાવી તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન કારની ડિકીમાં સ્ટેપની નીચે ખાસ બનાવેલા ગુપ્ત ચોરખાનામાંથી ભારતીય બનાવટની ઇંગ્લિશ વ્હિસ્કીની 192 બોટલોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી દારૂનો આ જથ્થો કબજે કરી આરોપી વિશાલભાઈ રમેશભાઈ બડગુજરની અટકાયત કરી છે.
પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ અત્યંત ચતુરાઈથી કારની ડિકીમાં ચોરખાનું બનાવી દારૂ છુપાવ્યો હતો, જેથી પોલીસને શંકા ન જાય. પોલીસે વિદેશી દારૂની કિંમત 54,570 રૂપિયા અને કારની કિંમત 2,00,000 રૂપિયા મળી કુલ 2,54,570 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ પોલીસે આરોપી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને દારૂનો આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તે કોને પહોંચાડવાનો હતો, તે અંગે સઘન તપાસ શરૂ કરી છે.
વધુ સમાચારો અને માહિતી માટે @aapnu_vapi સાથે જોડાયેલા રહો!
Vapi, Valsad | Jul 9, 2026