નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના અબ્રામા ગામે ચોરમલા ફળિયા પાસે મુખ્ય માર્ગ પર ગત રાત્રે ૯:૩૦ કલાકે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. વિજલપોર ફાયર સ્ટેશનમાં ૨૨ વર્ષથી નિષ્ઠાપૂર્વક સેવા આપતા ફાયર જવાન ચંદ્રકાંતભાઈ ટંડેલ નાઈટ શિફ્ટની ફરજ માટે કૃષ્ણપુરથી બાઈક લઈને જઈ રહ્યા હતા, ત્યારે અબ્રામા પાસે સામેથી પુરપાટ ઝડપે આવતી અન્ય બાઈક સાથે તેમની સામસામે જોરદાર ટક્કર થઈ હતી. આ ગોઝારા અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચવાને કારણે ફાયર જવાન ચંદ્રકાંતભાઈ ટંડેલ અને સામેની બાઈક પર સવાર પંચમહાલ જિલ્લાના પીતેન્દ્ર નામના યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.