પાલેજ નારેશ્વર રોડ ઉપર માલોદ ગામ નજીક આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. રોડની કામગીરી દરમિયાન હેવી ડમ્પરની ટ્રોલી ઊંચી કરવામાં આવતાં તે ઉપરથી પસાર થતા જીવિત વીજ તાર સાથે અથડાઈ ગઈ હતી. કરંટ ઉતરતા ડમ્પરમાં અચાનક આગ ભભૂકી ઉઠી. આગ જોઈ ડમ્પર ચાલકે જીવ બચાવવા નીચે ઉતરવાનો પ્રયાસ કર્યો, પરંતુ જમીન પર ઉતરતાં જ તેને કરંટ લાગ્યો અને ઘટનાસ્થળે જ તેનું મોત નિપજ્યું. ઘટનાની જાણ થતાં કરજણ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો.