સુરત: રક્ષાબંધન પહેલાં જ રાંદેરના રામનગર વિસ્તારમાં રહેતા 25 વર્ષીય આદિત્યનું માર્ગ અકસ્માતમાં કરુણ મોત થતાં પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
પ્રાપ્ત માહિતી મુજબ દાંડી ફાટક નજીક બાઈક અને સ્કૂલ બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બાઈક પર ત્રણ યુવકો સવાર હતા, જેમાં આદિત્યનું ઘટનાસ્થળે જ મોત થયું, એક યુવક ઈજાગ્રસ્ત થયો છે જ્યારે અન્ય એક સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.
પરિવારના જણાવ્યા અનુસાર અકસ્માત ફાઉન્ટેન સ્કૂલની બસ સાથે થયો હતો અને બસ દ્વારા ટક્કર મારવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. જોકે અકસ્માતનું ચોક્કસ કારણ શું હતું તે અંગે પોલીસ તપાસ ચાલી રહી છે અને તપાસ પૂર્ણ થયા બાદ જ હકીકત સ્પષ્ટ થશે.
મૃતકના પરિવારમાં માતા-પિતા અને એક મોટી બહેન છે. રક્ષાબંધન પહેલાં જ ભાઈનું અકાળે નિધન થતાં પરિવારમાં ગમગીનીનો માહોલ છે. પરિવારે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે.
Udhna, Surat | Aug 6, 2026