કમલાનગર તળાવ પાસે ચેઇન સ્નેચીંગની ઘટનાને અંજામ આપનાર યોગેશ ઉર્ફે તત્તો કહાર સોનાની ચેઇન અને સ્કૂટી સાથે ઝડપાયો
વડોદરા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત મોટી સફળતા મળી છે. પાણીગેટ શાલીમાર બગીચા પાસેથી યોગેશ ઉર્ફે તત્તો રાકેશભાઈ કહાર (રહે. પાણીગેટ, વડોદરા) નામના શખ્સને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની અંગઝડતી દરમિયાન મળી આવેલી સોનાની ચેઇન બાબતે પૂછપરછ કરતાં તેણે પોતાના સગીર સાગરીત સાથે મળીને આજવા રોડ કમલાનગર તળાવ પાસે મોર્નિંગ વોક પર નીકળેલા નાગરિકના ગળામાંથી આ ચેઇન આંચકી હોવાની કબૂલાત કરી હતી.
પોલીસે રૂ. ૧,૩૫,૦૦૦ ની કિંમતની સોનાની ચેઇન અને ગુનામાં વપરાયેલ રૂ. ૧૦,૦૦૦ નું સ્કૂટી મોપેડ કબજે કરી બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પકડાયેલા આરોપી અગાઉ સને ૨૦૨૩માં વાહન ચોરીના ગુનામાં પણ સંડોવાયેલો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.