નવસારી જિલ્લામાં 'જળસંચય જનભાગીદારી અભિયાન-3.0' ના સફળ અમલીકરણ માટે જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સરકારી વિભાગો દ્વારા ચાલતા વિકાસલક્ષી કામો, આંગણવાડીઓ, ગ્રામ પંચાયતો અને સરકારી કચેરીઓમાં વરસાદી પાણીના સંગ્રહ માટે વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમનો ફરજિયાત સમાવેશ કરવા સૂચના અપાઈ હતી. ઉપરાંત, JSJB 1.0 અને 2.0 હેઠળ થયેલા કામોની સમીક્ષા કરી જરૂરી રિપેરિંગ બાદ JSJB 3.0 પોર્ટલ પર ક્ષતિરહિત ડેટા એન્ટ્રી કરવા અને નિયમિત રિપોર્ટિંગ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. કલેક્ટરશ્રીએ જળસંચયની કામગીરીને સમયબદ્ધ, ગુણવત્તાસભર અને માત્ર સરકારી કામ પૂરતી સીમિત ન રાખતા વ્યાપક જનભાગીદારી સાથે આગળ ધપાવવા અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી કાર્તિક જીવાણી સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.