પાલીતાણા તાલુકાના મોટી પાણીયાળી ગામના કુલદીપસિંહ બી. વાળાએ દક્ષિણ આફ્રિકામાં યોજાયેલ વર્લ્ડ ચેમ્પિયનશિપની ટ્રાયથલોન સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતીને ભારતનું નામ વૈશ્વિક સ્તરે રોશન કર્યું છે. મેડલ જીત્યા બાદ પ્રથમ વખત વતન પધારેલા કુલદીપસિંહનું પાલીતાણા બસ સ્ટેશન ખાતે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્થાનિક આગેવાનો, વિવિધ સંગઠનોના હોદ્દેદારો, શિક્ષકો અને પરિવારજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ફૂલહાર કરી વિજેતા ખેલાડીને વધાવ્યા.