દસાડા તાલુકાના સૂરજપુરા ગામ નજીક પસાર થતી ખારાઘોડા બ્રાન્ચ કેનાલમાં ગંભીર ગાબડું પડતા કેનાલના નીર આસપાસના ખેતરોમાં ફરી વળ્યા છે. બે દિવસ પૂર્વે જ્યારે કેનાલમાં પાણી છોડવામાં આવ્યું ત્યારે તંત્રના અપૂરતા મેઇન્ટનન્સ અને કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવેલા તકલાદી કામને કારણે કેનાલ તૂટી હોવાનું સામે આવ્યું છે. કેનાલના પાળા નબળા હોવાને કારણે લાખો લિટર પાણી વેડફાઈને સીધું ખેતરોમાં ઘૂસી ગયું હતું.