ગોધરાના પથ્થર તલાવડી વિસ્તારમાં ડ્રેનેજ લાઇનના કામ દરમિયાન જેસીબી ગેસ પાઇપલાઇન સાથે અથડાતા અચાનક ગેસ લીકેજ થયું હતું. જેના કારણે વિસ્તારમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. તાત્કાલિક અસરથી રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો અને આસપાસના દુકાનદારો-રહેવાસીઓને સ્થળ ખાલી કરવાની સૂચના આપવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ ગુજરાત ગેસ લિમિટેડની ટેકનિકલ ટીમ સ્થળ પર પહોંચી હતી. મુખ્ય વાલ્વ બંધ કરીને મરામત કામગીરી શરૂ કરાતા પરિસ્થિતિ કાબૂમાં આવી હતી.