શિક્ષણ અને રમતગમત બંને ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતું સુરત શહેર વધુ એક યુવાન પ્રતિભાથી ગૌરવવંતુ બન્યું છે. સુરતની શ્રીમતી એલ.એન.બી. દાળિયા હાઈસ્કૂલમાં ધોરણ ૧૨-એમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી કૌશલ દવેએ તાજેતરમાં ગોવા ખાતે યોજાયેલી આંતરરાષ્ટ્રીય કરાટે ટુર્નામેન્ટમાં બે ગોલ્ડ મેડલ જીતીને સુરત, ગુજરાત અને સમગ્ર ભારતનું નામ રોશન કર્યું છે.